રેડ રોઝ - દેવેન્દ્ર પટેલ
મૂકેશ અંબાણી પછી સિંઘાનિયા અને કાસલીવાલના સ્વર્ગસમા આશિયાના
મૂકેશ અંબાણીએ રૂ. ૬૦૦૦ કરોડનું ભવ્ય નિવાસસ્થાન બંધાવ્યું તે પછી રતન તાતાએ પણ મુંબઈમાં એક નવું મકાન બંધાવ્યું. રતન તાતાનું નવું મકાન સરળ, સાદું અને થોડાક જ કરોડના ખર્ચે બન્યું. વિજય માલ્યાની કિંગફિશર એરલાઇન્સ ભલે ડૂબી ગઈ, પરંતુ તેમનાં ભવ્ય મકાનો બેંગલુરુ, મુંબઈથી માંડીને અલીબાગમાં છે. વિશ્વના બીજા દેશોના ધનપતિઓ તેમનાં રહેવાનાં મકાનો પાછળ આટલું ધન ખર્ચતાં નથી. તેમાં વોરન બફેટ, બિલ ગેટ્સ, મિ. લુડવિંગ જેવાઓનો સમાવેશ થાય છે. હા, લક્ષ્મી મિત્તલનું લંડન ખાતે ખરીદવામાં આવેલું નવું નિવાસસ્થાન ઇંગ્લેન્ડના રાજાના મહેલની યાદ અપાવે તેવું છે. આરબ શેખો અને સદ્દામ હુસેન જેવા સરમુખત્યારોના મહેલમાં સોનાના નળ જોવા મળી શકે,પરંતુ ભારતમાં રહેતા ભારતીય ઉદ્યોગપતિઓ તેમના ધનના વરવા પ્રદર્શન માટે જાણીતા છે.
ગૌતમ સિંઘાનિયા
વિજય માલ્યા જેવી જ રંગીન મિજાજની ઇમેજ ધરાવતા રેમન્ડ ગ્રૂપના ગૌતમ સિંઘાનિયા પણ આગવી લાઇફસ્ટાઇલ માટે જાણીતા છે. દરિયામાં સહેલગાહ કરવાની યોટ અને ઘોડા તેમના શોખ છે. ગૌતમ સિંઘાનિયાનાં પત્નીનું નામ નવાજ છે. તેમને બે દીકરીઓ છે. મૂકેશ અંબાણીના 'એન્ટીલા' નિવાસસ્થાન જેવું હવે ગૌતમ સિંઘાનિયાનું પણ મુંબઈમાં અંબાણીના કાર્માઈકલ રોડ ખાતેના એક નિવાસસ્થાનની નજીક જ ૩૬ માળનું ભવ્ય નિવાસસ્થાન તૈયાર થઈ રહ્યું છે. આ નિવાસસ્થાન પણ એક પ્રકારની ગગનચુંબી ઇમારત હશે. આ ઇમારત જે. કે. હાઉસની નજીક છે. બ્રીચકેન્ડીના બાબુભાઈ દેસાઈ માર્ગ પાસે જ આ ઈમારત આકાર લઈ રહી છે. મૂકેશ અંબાણીના 'એન્ટીલા' નિવાસસ્થાનની ઊંચાઈ ૧૭૩ મીટર છે. ગૌતમ સિંઘાનિયાના નિવાસસ્થાનની ઊંચાઈ ૧૪૫ મીટર છે. તેનાં ભવ્ય કોલમ્સ પર ઊભી થનારી બાલ્કનીમાંથી મુંબઈનો ઘૂઘવતો દરિયો નિહાળી શકાશે. નોંધપાત્ર વાત એ છે કે દૂરથી મૂકેશ અંબાણી અને ગૌતમ સિંઘાનિયાનાં નિવાસસ્થાનોની ઇમારતો એક સરખી જણાય છે, હકીકતમાં બંને અલગ છે.
ગૌતમ સિંઘાનિયાના નિવાસસ્થાનને હજુ નામ અપાયું નથી. આ ઇમારતની ડિઝાઇન મુંબઈની તલાટી એન્ડ પાંથકી નામની મુંબઈની એક ડિઝાઈનર પેઢીએ તૈયાર કરી છે. આ પેઢી આખા પશ્ચિમ એશિયામાં અનેક સ્થળે મકાનોની ડિઝાઇન તૈયાર કરવાનું કામ કરે છે. આ પેઢીએ મુંબઈના પેડર રોડ પર સાંસદ અને ઉદ્યોગપતિ નવીન ઝિંદાલનું મકાન પણ બાંધ્યું છે. તેઓ ગૌતમ સિંઘાનિયાની પ્રોપર્ટી વિશે કાંઈ પણ બોલવા તૈયાર નથી.
પાંચ માળ પાર્કિંગ
ગૌતમ સિંઘાનિયાનું નવું નિવાસસ્થાન ૪૮ ફૂટના કેન્ટીલીવર્સ પર ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેની અંદર બે ઓલિમ્પિક સાઈઝનાં સ્વિમિંગ પુલ હશે. એક જિમ-સ્પા, રિક્રીએશનલ સેન્ટર અને ઇમારતના ટોપ પર હેલીપેડ હશે. મૂકેશ અંબાણીના 'એન્ટીલા' બિલ્ડિંગ પર પણ હેલીપેડ છે, પરંતુ તેને મ્યુનિસિપલ કોર્પોરેશનની તથા ફાયર ડિપાર્ટમેન્ટની મંજૂરી મળવાની બાકી છે. ગૌતમ સિંઘાનિયા મૂકેશ અંબાણી કરતાં વધુ ચતુર વેપારી માણસ લાગે છે.
તેમની આ ઇમારત મલ્ટિપરપઝ છે. આ ઇમારતની નીચેનો ભાગ તેમની જ માલિકીના રેમન્ડના ભવ્ય શોરૂમ તરીકે વપરાશે. જ્યારે ઉપરનો ભાગ નિવાસસ્થાન તરીકે વપરાશે. શોરૂમ સીધો સ્ટ્રીટ લેવલ પર છે એટલે કે શોરૂમ અને નિવાસસ્થાનની વચ્ચેના પાંચ માળ માત્ર મોટરકારોના પાર્કિગ માટે હશે. આ કાર પાર્કિગ માત્ર સિંઘાનિયા પરિવાર માટે હશે.
અહીં નજીકમાં જ બ્રીચકેન્ડી ક્લબ આવેલી છે. આ ક્લબમાં નવા સભ્યપદ માટે ૧૦ વર્ષનું વેઇટિંગ ચાલે છે. તેની બાજુમાં જ લિંકન હાઉસ છે. હજી હમણાં સુધી તો યુએસ કોન્સ્યુલેટ કચેરી હતી.
નીચે ગરીબો ઉપર ધનવાનો
દિલ્હીમાં અને મુંબઈમાં સુપર રિચ લોકોની લોકાલિટી એક સરખી નથી. દિલ્હીમાં કેટલાંક સ્થળે એક સાથે અનેક ગર્ભશ્રીમંતો વસે છે. મુંબઈમાં સુપર રિચ લોકોએ ઘણી વાર તેમની બાલ્કનીમાંથી ઝૂંપડપટ્ટીનાં પણ દર્શન કરવાં પડે છે. આ ગરીબી ન દેખાય તે માટે ડિઝાઇનરોએ તે ઇમારતોની બાલ્કનીઓમાં અટપટા બગીચા ઊભા કરી ગરીબોના દીદારથી દૂર રહેવા પ્રયાસ કરવા પડે છે. ઘણા ધનિકોને ગરીબો જોવા ગમતા નથી એ આ દેશની વક્રતા છે. દિલ્હીના ધનવાનોને આ મુશ્કેલી નથી. દા.ત. દિલ્હીની બહાર આવેલાં મેહરોલી ફાર્મ હાઉસોના વિશાળ વિસ્તારમાં બધા સુપર રિચ લોકોનાં જ મકાનો છે. જ્યારે મુંબઈનાં ગગનચુંબી મકાનોમાં રહેતા ગર્ભશ્રીમંતો ઝૂંપડપટ્ટી જોઈને અનકમ્ફર્ટેબલ થઈ જાય છે. તેમની અબજોની ઇમારતો ભલે ગરીબોની મજાક ઉડાડતાં હોય, પરંતુ તેમને ગરીબો જોવા પણ ગમતા નથી.
PALAIS ROYALE
મુંબઈમાં બીજા એક સુપર રિચ પરિવાર માટે એવું જ એક વધુ ભવ્ય નિવાસસ્થાન તૈયાર થઈ રહ્યું છે અને તેનું નામ ‘Palais Royale’છે. આ નિવાસસ્થાનના માલિક એસ. કુમારવાળા કાસલીવાલ બ્રધર્સ છે. 'Palais Royale'ની ઊંચાઈ ૬૭ માળની એટલે કે ૩૨૦ મીટરની હશે. તે મુંબઈની સૌથી ઊંચી ઇમારત હશે. તેની ચારે બાજુ પતરાં અને પ્લાસ્ટિકથી ઢંકાયેલાં ટેનામેન્ટ્સ છે. આ ઇમારત જ્યાં ઊભી થઈ રહી છે ત્યાં એક જમાનામાં કાસલીવાલ બ્રધર્સની માલિકીની 'શ્રીરામ મિલ્સ' હતી. અહીં આ મિલની આસપાસ મિલના જ મજૂરો રહેતા હતા. આ વિસ્તાર લોઅર પરેલમાં આવેલો છે. મુંબઈમાં જમીન ન હોઈ ગર્ભશ્રીમંતોએ આવી જગાએ જ તેમના ભવ્ય આશિયાના ઊભા કરવા પડે છે. આસપાસમાં મિલ મજદૂરોની ચાલીઓ આવેલી છે. આ જ વિસ્તારમાંથી દાઉદ ઇબ્રાહિમ અને અરુણ ગવળી જેવા ડોન પેદા થયા હતા. હવે આ મિલના વિસ્તારમાં મોલ ઊભા થઈ ગયા છે.
૬૦ કરોડનું એપાર્ટમેન્ટ
કાસલીવાસ બ્રધર્સ પણ વેપારી માણસ છે. આ આખીયે ઇમારતનો ઉપયોગ તેઓ પોતાના એકલાના જ નિવાસસ્થાન માટે કરવાના નથી. એ ઇમારતના ઉપરના ૧૦ માળ જ તેમનું નિવાસસ્થાન હશે. એ સિવાયનો ઇમારતનો નીચેનો વિસ્તાર વેચવા માટેનાં લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ્સ હશે. આ એપાર્ટમેન્ટની સાઈઝ ૮૭૦૦ ચોરસ ફૂટથી માંડીને ૧૪,૦૦૦ ચોરસફૂટની હશે. એક એપાર્ટમેન્ટની કિંમત રૂ. ૩૫ કરોડથી માંડીને રૂ. ૬૦ કરોડ સુધીની હશે. આટલી રકમ ખર્ચ્યા બાદ તમે કાસલીવાલ બ્રધર્સના પાડોશી કહેવાશો, પણ હા, આ એપાર્ટમેન્ટ ખરીદવા માટે તમારે કાસલીવાલ બ્રધર્સનાં સગાં-સંબંધી કે નજીકના મિત્ર હોવું જરૂરી છે. અમદાવાદનો રાતોરાત કરોડો કમાયેલો કોઈ શેરબજારિયો રોકડા રૂપિયા લઈને જશે તોપણ તેને 'ઁટ્વઙ્મટ્વૈજ ઇર્અટ્વઙ્મી'માં એપાર્ટમેન્ટ નહીં મળે. આ એપાર્ટમેન્ટનું વેચાણ 'બાય ઈન્વિટેશન ઓન્લી' છે. ટૂંકમાં આ ટાવર લાઈક માઈન્ડેડ પીપલ માટે હશે. આ ઇમારતના બાંધકામ માટે જે કંપની ઊભી કરવામાં આવી છે તેનું નામ 'શ્રીરામ અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર' છે. એ લોકોને ગ્રાહક શોધવાની સમસ્યા નથી.
ઇમારતમાં ક્રિકેટની પીચ
ભારતના પ્રથમ સુપર ટોલ ટાવર બનનારા આ ટાવરના ઉપરના ૧૦ માળ કાસલીવાલ પરિવાર માટે અનામત છે. તેમાં સિનેમા, સ્પા અને ક્રિકેટની પીચ પણ હશે. બેડમિંટન કોર્ટ અને ઇનડોર સોકર ફીલ્ડ પણ હશે. ત્રણ ઓલિમ્પિક સાઇઝના સ્વિમિંગ પુલ પણ હશે. ૨૦૧૩માં આ ઇમારત તૈયાર થઈ જશે.
અલબત્ત, ૨૦૧૬માં Palais Royale દેશની સૌથી ઊંચી ઇમારતનું ગૌરવ ગુમાવશે. મુંબઈના જ મરિન લાઈન્સ વિસ્તારમાં ૭૨૦ મીટર ઊંચું એક ઇન્ડિયા ટાવર ઊભું થઈ રહ્યું છે. એ સિવાય બીજાં ત્રણ ગગનચુંબી મકાનો પણ મુંબઈમાં ઊભા થઈ રહ્યાં છે. જે ૨૦૧૭ સુધીમાં તૈયાર થઈ જશે. કાસલીવાલના 'ઁટ્વઙ્મટ્વૈજ ઇર્અટ્વઙ્મી' કરતાં તે વધુ ઊંચાં હશે. આ બધાં કોઈ એક ફેમિલીની માલિકીનાં નહીં હોય. એકમાત્ર મૂકેશ અંબાણી અને ગૌતમ સિંઘાનિયાનાં નિવાસસ્થાનો જ તેમના પરિવાર માટેનાં મકાનો રહેશે.
રતન તાતાનું કેબીન્સ
આ બધા ઉદ્યોગપતિઓ હવે 'બિઝનેસ મહારાજા'ઓ તરીકે ઓળખાય છે. મુંબઈમાં નાગરિક દીઠ સરેરાશ ૩૧ ચોરસફૂટ જ ફ્લોર સ્પેસ મળે છે ત્યારે દેશના સુપર રિચ લોકોનું આ ધન પ્રદર્શન આસપાસ રહેતા ગરીબોની આંખમાં પણ આવી શકે છે. આસપાસ જીવતા નર્કમાં રહેતા ગરીબોની વચ્ચે જ સ્વર્ગ સમાન ગગનચુંબી આશિયાના ઊભા કરવાનો કોર્પોરેટ ગોડ્સનો આ અભિગમ ક્યારેક તેમને ભારે પડી શકે તેમ છે. રતન તાતા આજે પણ માત્ર બે જ બેડરૂમના એપાર્ટમેન્ટમાં રહે છે અને તેમણે કોલાબામાં બાંધેલું નવું નિવાસસ્થાન માત્ર ૧૩.૫ મીટર જ ઊંચું છે. રતન તાતાનું નવું ઘર માત્ર ચાર જ માળ ઊંચું છે. તે ૧૩,૩૫૦ ચોરસફૂટમાં પથરાયેલું છે અને માત્ર ૧૫ જ મોટરકારોના પાર્કિગની સુવિધા છે. બીજા સુપર રિચ ૧૫૦થી વધુ મોટરકારોના પાર્કિગની સુવિધા ધરાવે છે. રતન તાતાના નવા મકાનનું નામ 'કેબીન્સ' આપવામાં આવ્યું છે.
કેવી સુંદર સાદગી?!
www.devendrapatel.in
No comments:
Post a Comment