Tuesday, September 11, 2012

યમુના એક્સપ્રેસ : દેશનો પ્રથમ વર્લ્ડક્લાસ એક્સપ્રેસ-વે (સન્ડે સ્પેશિયલ)

Sep 08, 2012

રેડ રોઝ - દેવેન્દ્ર પટેલ
સ્પીડ મર્યાદા ૧૦૦ કિલોમીટર પ્રતિકલાક પણ લોકો ૨૦૦ કિલોમીટરની ઝડપે કાર ચલાવે છે
આઝાદીનાં ૬૫ વર્ષ બાદ દેશને પ્રથમ વર્લ્ડક્લાસ એક્સપ્રેસ વે મળ્યો છે. આમ તો દેશમાં ઘણા હાઈ-વે આધુનિક બન્યા છે, પરંતુ દિલ્હીથી આગ્રાને જોડતો યમુના એક્સપ્રેસ વે અત્યાધુનિક છે. અંતરની બાબતમાં હૈદરાબાદનો આઉટર રિંગ રોડ એક્સપ્રેસ વેથી આ હાઈવે બીજા નંબરે છે. જ્યારે સુવિધાઓની બાબતમાં યમુના એક્સપ્રેસ વે મુંબઈ પૂણે એક્સપ્રેસ-વેથી વધુ બહેતર છે. તેના નિર્માણ અને સંચાલન પ્રણાલીની બાબતમાં અહીં આંતરરાષ્ટ્રીય માપદંડોને અનુસરવામાં આવ્યા છે. યમુના એક્સપ્રેસ પર મોટરકારો માટે ૧૦૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપ નક્કી કરવામાં આવી છે,પરંતુ કેટલાક લોકો ઉન્માદમાં આવી જઈને ૧૪૦થી ૧૬૦ અને કેટલાક વાહનચાલકો તો કલાકના ૨૦૦ કિલોમીટરની ઝડપે પણ કાર હાંકતા જણાયા છે. ૧૦૦ કિમીની ઝડપ કરતાં વધુ ઝડપથી કાર ચલાવનાર પાંચ જેટલી વ્યક્તિઓએ શરૂઆતના અઠવાડિયામાં જ જાન ગુમાવ્યા છે.
ત્રણ કલાકમાં જ આગ્રા
અત્યાર સુધી મુંબઈ પૂણે એક્સપ્રેસ-વે દેશનો સૌથી શ્રેષ્ઠ ધોરીમાર્ગ ગણવામાં આવતો હતો, પરંતુ હવે દિલ્હીથી આગ્રાને જોડતા યમુના એક્સપ્રેસ વે પર કારમાં મુસાફરી કરવી એક લહાવો ગણાશે. અત્યાર સુધી દિલ્હીથી આગ્રા જતાં નેશનલ હાઈવે પર ચારથી પાંચ કલાક લાગતા હતા. હવે ત્રણ કલાકમાં દિલ્હીથી આગ્રા પહોંચી શકાશે.
 મુંબઈથી પૂણેના એક્સપ્રેસ-વે દ્વારા આ અંતર કાપતાં માત્ર બેથી ત્રણ કલાક જ લાગે છે. આ એક્સપ્રેસ-વે પર પ્રથમ ૯૩.૧ કિલોમીટરનું અંતર કાપવા માટે કારચાલકે રૂપિયા ૧૬૫ ચૂકવવા પડે છે. આ ટોલટેક્સ પ્રતિ કિલોમીટર લગભગ રૂપિયા ૧.૭૭ જેટલો થાય છે. જો તમે જીપ કે વાનમાં મુસાફરી કરતા હો તો મુંબઈથી પૂણે સુધીના અંતર માટે રૂપિયા ૩૨૦, મિની બસ માટે રૂપિયા ૫૦૦ બસ અને ટ્રક માટે રૂપિયા ૧૦૫૦, હેવી મશીનરી માટે રૂપિયા ૧૬૦૦ અને સાતથી વધુ એક્સલવાળાં વાહનો માટે રૂપિયા ૨૧૦૦ ચૂકવવા પડે છે. મુંબઈથી પૂણેનો એક્સપ્રેસ વે પહાડીઓમાંથી પસાર થાય છે. રસ્તામાં છ જેટલી સુરંગો આવે છે.
યમુના એક્સપ્રેસ-વે દ્વારા દિલ્હીથી આગ્રા સુધીનું નેશનલ હાઈવે -૨ દ્વારા અંતર કાપતાં પથી ૬ કલાક લાગે છે, પરંતુ યમુના એક્સપ્રેસ-વે દ્વારા જવું હોય તો તે અંતર ૨૧૧ કિલોમીટરનું છે તેમાં યમુના એક્સપ્રેસ-વે ૧૬૫ કિલોમીટરનો છે. જ્યારે બાકીનો ૪૬ કિલોમીટરનો રસ્તો દિલ્હીથી યમુના એક્સપ્રેસ વેને જોડે છે. ટૂંકમાં હવે દિલ્હીથી આગ્રા માત્ર ૩ કલાકમાં પહોંચી શકાય છે અને નેશનલ હાઈવેના વિકલ્પે અડધોઅડધ સમય બચી જાય છે.
ટોલટેક્સ કેટલો?
અલબત્ત, યમુના એક્સપ્રેસ-વેની ઝડપી અને આહ્લાદક મુસાફરી માટે વાહનચાલકોને સારી એવી કિંમત ચૂકવવી પડશે. હાલ નક્કી થયેલ ટોલટેક્સ મુજબ દ્વિચક્રી વાહનો માટે દિલ્હીથી આગ્રાનો ટોલટેક્સ રૂપિયા ૧૫૦, કાર- જીપ -વાન માટે રૂપિયા ૩૨૦, મિનિ બસ માટે રૂપિયા ૫૦૦, બસ અને ટ્રક માટે રૂપિયા ૧૦૫૦, હેવી મશીનરી માટે રૂપિયા ૧૬૦૦ અને સાત કે વધુ એક્સલવાળાં વાહનો માટે રૂપિયા ૨૧૦૦ છે. મોટરકાર ચાલકે આ એક્સપ્રેસ-વે પર જવું હોય તો દર એક કિલોમીટરે રૂપિયા ૨.૧૦ ચૂકવવા પડશે. મોટરકાર માટે અધિકતમ સ્પીડમર્યાદા ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની નક્કી કરવામાં આવી છે. જ્યારે ભારે વાહનો માટે ઝડપની મર્યાદા ૬૦ કિલોમીટર પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે. યમુના એક્સપ્રેસ-વે યમુના નદીની સમાંતર છે.
સુવિધાઓ
યમુના એક્સપ્રેસ પર રસ્તામાં વાહન બંધ પડી જાય તો દર દસ કિલોમીટરે ટોઈંગ કરી જનાર વાહનની સુવિધા છે. કોઈ મોટો અકસ્માત થાય તો તરત જ ઘટનાસ્થળે પહોંચી જવા એક્સપ્રેસ વે પર એક હેલિકોપ્ટર તહેનાત રાખવામાં આવ્યું છે. દર ૧૦ કિલોમીટરે એક ઇમરજન્સી ર્પાિકગની સુવિધા છે. દર પાંચ કિલોમીટરે સીસી ટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. દર ૨૫ કિલોમીટરના અંતરે એમ્બ્યુલન્સની વ્યવસ્થા રાખવામાં આવી છે. અહીં લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરા કોલ સેન્ટરથી ઓપરેટ થાય છે. કોલ સેન્ટરોને ચોવીસે કલાક વીજ પુરવઠો મળી રહે તે માટે સૌર ઊર્જાનો ઉપયોગ થયો છે.
પેટ્રોલિંગ વાન
યમુના એક્સપ્રેસ-વેને પાંચ સેકટરમાં વહેંચવામાં આવ્યો છે. પ્રત્યેક સેકટરમાં બે ગાડીઓ પેટ્રોલિંગ કરશે જેમાં સુરક્ષા ગાડ્ર્સ અને અન્ય કર્મચારીઓ હશે. રસ્તામાં અકસ્માત વખતે આ વાન પહોંચી જશે. યમુના એક્સપ્રેસ પર અગર વાહનના ટાયરમાં પંક્ચર થઈ જાય તો વાહનચાલકે પરેશાન થવાની જરૂર નથી. માત્ર એક ફોન કરવાથી પંક્ચર કરવાવાળા કર્મચારી આવી જશે. વાહનમાલિકે તેની કોઈ ફી આપવાની રહેશે નહીં. પંક્ચર પણ વિનામૂલ્યે કરી આપવામાં આવશે.આ સુવિધા આખા એક્સપ્રેસ પર ઉપલબ્ધ કરવામાં આવી છે. વાહનમાલિકે ફક્ત તેનો વાહન નંબર અને સ્થાન ફોન પર બતાવવાનું રહેશે. થોડી જ વારમાં હેલ્પ સેન્ટરમાંથી મદદ કરનારી વાન પહોંચી જશે.આ એક્સપ્રેસ પર ૧૮૦૦ -૧૦૨-૭૭૭૭ ટોલ ફ્રી નંબર આપવામાં આવ્યો છે. આ સુવિધાઓ ચોવીસે કલાક ઉપલબ્ધ છે.
રિફ્યુઅલ ટેંક
યમુના એક્સપ્રેસ-વે પર જેવર, મથુરા અને આગ્રા એમ ત્રણ સ્થળો પર ફૂડ પ્લાઝા બનાવવામાં આવ્યા છે. જ્યાં બધાં જ રાજ્યોની સ્વાદિષ્ટ વાનગીઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. દરેક ફૂડ પ્લાઝા પર પ્રસાધનની સુવિધા પણ છે. એ જ રીતે રસ્તામાં કોઈની કારમાં પેટ્રોલ ખતમ થઈ જાય તો માત્ર એક ફોન કરવાથી હેલ્પ સેન્ટર દ્વારા રસ્તામાં જ પેટ્રોલ ભરી આપવા માટે વાહન દોડી જશે. અલબત્ત, પેટ્રોલના પૈસા આપવા પડશે.
 રસ્તામાં એસઓએસ બોક્સ પણ ઠેર ઠેર હશે. અગર કોઈની પાસે મોબાઈલ ફોન નથી તો કારચાલક આવા બોક્સ પાસે ઊભો રહી તેમાં લાગેલા ફોનનો ઉપયોગ કરી શકશે. આ ફોન કોલ સેન્ટર સાથે જોડાયેલો હશે. આ એસઓએસનો ઉપયોગ ઇમરજન્સી માટે જ રહેશે.
વાઈફાઈ સગવડ
યમુના એક્સપ્રેસ પર મુસાફરી કરવાવાળા લોકો ચાલુ મોટરકારે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશે. તે માટે પૂરા એક્સપ્રેસ વે પર વાઈફાઈ લગાડવામાં આવ્યા છે. દરેકને નેટવર્ક મળી રહેશે. અલબત્ત, ઇન્ટરનેટનો ઉપયોગ કારચાલક ખુદ નહીં, પરંતુ કારમાં બેઠેલી અન્ય વ્યક્તિઓ જ કરી શકશે. આખા એક્સપ્રેસ-વે પર નેટવર્કની કોઈ જ સમસ્યા નડશે નહીં. ત્રણ સ્થળે રસ્તા પર પ્રાથમિક ઉપચાર કેન્દ્ર પણ ઊભા કરવામાં આવ્યાં છે. આ પ્રાથમિક ઉપચાર કેન્દ્રો ફૂડ પ્લાઝાની બાજુમાં જ ઊભા કરવામાં આવ્યાં છે.
માઈલેજ
યમુના એક્સપ્રેસ-વે ઝડપ માટે છે, પરંતુ કેન્દ્ર સરકારના ઊર્જા વિભાગે વાહન ચાલકોને જણાવ્યું છે કે જો તમે ૫૫ કિલોમીટરની ઝડપે કાર ચલાવો છો તો કાર માટે જાહેર કરાયેલા માઈલેજ મળે છે. જો તમે ૬૨ કિલોમીટરની ઝડપે વાહન ચલાવો છો તો ત્રણ ટકા વધુ પેટ્રોલ કે ડીઝલ બળે છે. જો તમે ૬૫ કિલોમીટરની ઝડપે વાહન ચલાવો છો તો ૮ ટકા વધુ બળતણ વપરાય છે. જો તમે ૭૦ કિલોમીટરની ઝડપે વાહન ચલાવો છો તો ૧૭ ટકા વધુ બળતણ વપરાય છે. જો તમે ૭૫ કિલોમીટરની ઝડપે વાહન ચલાવો છો તો ૨૩ ટકા વધુ બળતણ વપરાય છે. અને જો તમે ૮૦ કિલોમીટરની ઝડપે વાહન ચલાવો છો તો તે વાહન ૨૮ ટકા વધુ પેટ્રોલ કે ડીઝલ વાપરે છે.
ઝડપ મોંઘી અને જોખમી છે.

No comments:

Post a Comment