ટોકિયો, તા. ૧૭
વિસ્તાર અને કદની દૃષ્ટિએ વામન ગણાતાં જાપાને છેલ્લાં ૧૦૦ વર્ષમાં ટેક્નોલોજી ક્ષેત્રે જે વિરાટ ફાળ ભરી છે, તેના તોલે કોઈ દેશ આવી શકે તેમ નથી, તેમાં પણ બીજા વિશ્વયુદ્ધમાં પરમાણુ બોમ્બનો સામનો કર્યા પછી જે ઝડપથી જાપાનને કળ વળી છે તે ખરેખર અકલ્પનીય છે. દુનિયાના અનેક દેશોની સરખામણીમાં અહીંયાં સગવડો અને સુવિધાઓની ભરમાર વધારે છે. અહીંના માત્ર ટ્રાન્સપોર્ટેશનની વાત કરીએ તો ૧૦૦ વર્ષમાં તો જાપાને અદ્વિતીય સફળતા હાંસલ કરી છે. એક સમયે બળદગાડાં અને મજૂરો દ્વારા ઊંચકાતી પાલખીની મદદથી આવનજાવન કરતાં જાપાનમાં અત્યારે ૧૬૬ માઇલની ઝડપે ચાલતી બુલેટ ટ્રેનો છે. ૧૯મી અને ૨૦ સદી દરમિયાન સામાન્ય લોકો અને ધનિકો કેવા વાહનવ્યવહારનો ઉપયોગ કરતાં હતાં અને કરે છે તેનો રોચક ઇતિહાસ છે.
- મુસાફરી માટે હાથલારીથી માંડીને બુલેટ ટ્રેન સુધીનો વિકાસ થયો
- ધનિકો મજૂરો રાખીને એક સ્થળેથી બીજાં સ્થળે જતા
- ગરીબો બળદગાડાં જેવાં સાધનોની મદદથી હેરફેર કરતાં
જાપાનમાં ધનિકો અને ગરીબો વચ્ચે વાહનવ્યવહારોનો દેખીતો ભેદ હતો. ધનિકોની વાત કરીએ તો તેઓ હેરફેર માટે પારંપરિક'કાગો' અથવા તો 'નોરીમોનો'નો ઉપયોગ કરતાં હતાં. પાલખી જેવું આ સાધન બે અથવા તો ચાર મજૂરો દ્વારા ઊંચકવામાં આવતું હતું. જાપાનમાં હાથરિક્ષા કે હાથલારીની શોધ થઈ ત્યાં સુધી આ રીતે જ લોકો હેરફેર કરતાં હતાં, જોકે ગરીબો આવનજાવન માટે બળદગાડાં જેવાં સાધનોનો ઉપયોગ કરતાં હતાં. ધનિકોની વાત કરીએ તો તેઓ નદી પાર કરવા માટે પણ માણસો ભાડે રાખતાં હતાં, મોટા તરાપા જેવા 'કાગો'માં સમગ્ર પરિવાર બેસી જતો અને આઠ-દસ મજૂરો તેમને નદી પાર કરાવતાં હતાં. જાપાનમાં રિક્ષાની શોધ થઈ ત્યાં સુધી લોકો કાગો અથવા તો ચાલતાં જ હેરફેર કરતાં હતાં.
વાહનવ્યવહારની શરૃઆત :
દેશ-દુનિયામાં ચાલતી રિક્ષાની સાચી શોધ જાપાનમાં થઈ હતી. ૧૯મી સદીમાં હાથરિક્ષાની શોધ કરવામાં આવી હતી. રિક્ષા શબ્દ જાપાની ભાષાના મૂળ શબ્દ 'જિનરિકિશા' પરથી આવ્યો છે. આ શબ્દનો અર્થ થાય છે 'માનવ દ્વારા ખેંચાતું વાહન', તેની માગ ધીરે ધીરે વધવા લાગી અને ગરીબો માટે તે આવકનો મોટો સ્રોત બની ગઈ, તેને કારણે ૧૮૭૨ સુધીમાં માત્ર ટોકિયોમાં જ ૪૦,૦૦૦ રિક્ષાઓ ફરતી થઈ ગઈ હતી. આ દોર ૨૦મી સદીના ઉત્તરાર્ધ સુધી ચાલ્યો. ૧૯૩૦માં જાપાનમાં કાર ઇન્ડસ્ટ્રીની શરૃઆત થયા બાદ ધીરે ધીરે રિક્ષાનું ચલણ ઘટવા લાગ્યું, ધીરે ધીરે ધનિકોમાં કારનું ચલણ વધવા લાગ્યું, ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધ બાદ જાપાને જે વિકાસ સાધ્યો તેને કારણે ધનિકો, મધ્યમવર્ગ સુધીનાં તમામ લોકો માટે વાહનવ્યવહારની સ્થિતિ બદલાઈ ગઈ, હવે જાપાનમાં ૧૬૬ માઇલની ઝડપે ચાલતી બુલેટ ટ્રેનો દોડતી થઈ છે. સાર્વજનિક વાહનવ્યવહારનું પણ તેને કારણે સ્વરૃપ બદલાઈ ગયું.
શું છે કાગો અને નોરિમોનો :
કાગો એક પારંપરિક પાલખી જેવું સાધન છે, તેમાં એક વાંસ સાથે નાનકડી બેઠક બાંધવામાં આવે છે, તેમાં એક જ વ્યક્તિ બેસી શકે તેમ હોય છે ત્યાર પછી આ બેઠકની ઉપર પતરાં અને લાકડાં દ્વારા છત કરી દેવામાં આવે છે, ત્યારબાદ બે અથવા તો ચાર મજૂરો દ્વારા કાગોને ખેંચવામાં આવે છે. ઉચ્ચ મધ્યમવર્ગનાં લોકો કાગોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરતાં હતાં જ્યારે ધનિકો કાગો ઉપરાંત નોરિમોનોનો ઉપયોગ કરતાં હતાં, તેમાં સમગ્ર પરિવારની હેરફેર કરી શકાય તેવી સુવિધા હતી. મોટા તરાપા જેવાં સ્ટેજ પર સમગ્ર પરિવાર બેસી જતો અને આઠ-દસ મજૂરો તેને ઊંચકીને લઈ જતાં. ખાસ કરીને પ્રવાસ દરમિયાન તેનો વધારે ઉપયોગ થતો હતો. નદી-નાળાં પાર કરવા માટે પણ ધનિક પરિવારો નોરિમોનોનો ઉપયોગ કરતાં હતાં.
વાહનવ્યવહારની એક ઝાંખી
-બીજા વિશ્વયુદ્ધ સુધી જાપાનમાં રિક્ષાઓનો જ ઉપયોગ થતો હતો.
-લાકડાના નાના પુલ પાર કરવા માટે ધનિકો રિક્ષાઓનો જ ઉપયોગ કરતા હતા.
-૧૯મી સદીમાં રિક્ષાની શોધ જાપાનમાં જ થઈ હતી.
-ધનિકો માનતાં કે ગાડી ખેંચવા માટે ઘોડા રાખવા કરતાં મજૂરો રાખવાં સસ્તાં પડે.
-નોનસમુરાય ક્લાસનાં લોકો હેરફેર માટે 'કાગો'નો ઉપયોગ કરતાં હતાં.
-સમુરાય ક્લાસનાં લોકો હેરફેર માટે નોરિમોનોનો ઉપયોગ વધારે કરતાં હતાં.
-રિક્ષાનાં પૈડાંમાં ધીરે ધીરે ઉત્ક્રાંતિ આવતાં ટ્રેનનાં પૈડાંની ભૂમિકા બંધાઈ.
-લોકો નદી પાર કરવા માટે સામાન્ય તરાપાનો ઉપયોગ કરતાં હતાં.
-ધનિકો નદી પાર કરવા યાકાતાબુનનો ઉપયોગ કરતા હતા.
-ઘણી વખત માત્ર નાળાં પાર કરવા માટે ધનિકો લાકડાના તરાપા પર બેસી જતાં અને મજૂરો તેમને ઊંચકી જતાં.
-ગરીબો મુસાફરી માટે ચાલીને જતાં અથવા તો બળદગાડાંનો ઉપયોગ કરતાં.
-વર્તમાન સમયમાં જાપાનમાં બુલેટ ટ્રેનો ફરતી થઈ ગઈ છે.
No comments:
Post a Comment