Monday, January 21, 2013

ફક્ત આઠ કલાકમાં ૨૨૯૮ કિલોમીટર કાપતી બુલેટ.




ન્યૂઝ નંબર વનઃ ૨૦૧૧ના સમર વેકેશન દરમિયાન એક બુલેટ ટ્રેનને અકસ્માત નડતાં ૪૦ થી વઘુ વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં અને સેંકડોને ઇજા થઇ હતી..., ન્યૂઝ નંબર ટુઃ૨૦૧૨ના માર્ચમાં અતિ ભારે (કહો કે સાંબેલાધાર) વરસાદથી સેન્ટ્રલ ચીનમંા એક આખી રેલવે લાઇન પૂરેપૂરી ધોવાઇ ગઇ હતી... આ અને આવા બીજા અનેક અવરોધો છતાં ૨૦૧૩ના નવા વરસની પૂર્વસંઘ્યાએ ચીને એક અજીબોગરીબ રેકોર્ડ સર્જ્યો. સરમુખત્યાર કહો, લોખંડી શાસન કહો, સામ્યવાદી રાષ્ટ્ર કહો કે જુલમી શાસન કહો- એક વાત નક્કી કે નિર્ધારેલાં લક્ષ્યાંકો સમયસર પૂરા કરવામાં ચીનને કુદરતી કે માનવસર્જિત કોઇ અવરોધો નડતાં નથી. પૂરા બાવીસસો અઠ્ઠાણુ કિલોમીટરનું અંતર ફક્ત આઠ કલાકમાં કાપે એવી અતિ ઝડપી અને છતાં દુનિયાની કોઇ પણ એરલાઇન્સની સેવાને ટક્કર મારે એવી બુલેટ ટ્રેનસેવા ચીને ૨૭ ડિસેંબરે રાષ્ટ્રને અર્પિત કરી. ફક્ત અંતર સમજવા માટે જોઇએ તો મુંબઇ અને જમ્મુ વચ્ચે ૧૯૫૦ કિલોમીટરનું અંતર છે. મહારાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની ગણાતા પૂણે અને જમ્મુ વચ્ચે ૨૧૭૬ કિલોમીટરનું અંતર છે. તમે રેલવેનું સમયપત્રક જુઓ. દૈશને આઝાદ થયા પછી આજે ૬૪-૬૫ વરસ પછીય આ બંને અંતર કાપતાં ભારતીય રેલવેને વીસથી બાવીસ કલાક લાગે છે. હિમવર્ષા કે ભારે વરસાદ જેવી કોઇ કુદરતી આપત્તિ આવે તો ટ્રેનો કેટલા કલાક મોડી પડે એનો કોઇ ભરોસો નહીં.

બીજી બાજુ બાવીસસો અઠ્ઠાણું કિલોમીટરનું અંતર માત્ર આઠ કલાકમાં કાપે એવી બુલેટ ટ્રેન દોડાવવી એ કેટલું મોટું એંજિનિયરીંગ અને ટેક્‌નોલોજીકલ સાહસ છે એની કલ્પના કરો. વળી આ ટ્રેનમાં વિશ્વની કોઇ પણ એરલાઇન્સને ટક્કર મારે એવી સગવડો અને વૈભવ છે. ખુદ સંિહુઆ ન્યૂઝ એજન્સીએ જણાવ્યા મુજબ કોર્પોરેટ સર્કલના માંધાતા ઉદ્યોગપતિ-વેપારીઓને વિમાનમાં પ્રવાસ કરવાને બદલે ટ્રેનમાં પ્રવાસ કરવાની પ્રેરણા મળે એવા વિચારે આ ટ્રેન શરૂ કરવામાં આવી. આ અગાઉ ચીને સૌથી લાંબો પુલ ખુલ્લો મૂક્યો હતો. હવે સૌથી લાંબા અંતરની ટ્રેન શરૂ કરી. અને ટ્રેન પણ કેવી ? કલાકના ૩૦૦ કિલોમીટર (૧૮૬ માઇલ)ની ઝડપે દોડે એવી એટલે કે પવનવેગી. અત્યારે દર કલાકે આ ટ્રેન દોડશે. એક મહિના પછી દર અડધા કલાકે. ખરા અર્થમાં ઓટોમેટિક ગનમાંથી છૂટેલી બુલેટ જાણે ! અગાઉ બીજંિગ અને આજની તારીખમાં ચીનના આર્થિક હબ ગણાતા ગ્વાંગઝાઉ વચ્ચે દોડતી ટ્રેનો બાવીસ કલાક લેતી. એટલે વિદેશી વ્યાપારી પ્રતિનિધિઓ તથા કોર્પોરેટ માંધાતાઓ વિમાનયાત્રા કરવાનું પસંદ કરતા. એને કારણે વિદેશી એર લાઇન્સને તગડો નફો થતો. ચીનની ઇચ્છા એવી હતી કે એ નફો પોતાની તિજોરીમાં જમા થાય.


ભારતીય સાધનો અને અહીંની ટેલેન્ટ વિશે કોઇ શંકા નથી. એટલે ભારત અને ચીનની તુલના શક્ય નથી. પરંતુ એક દાખલો નોંધવો જોઇએ. ૨૦૧૧ના સેન્ટ્રલ ચીનના અકસ્માત પછી ત્યારના રેલવે પ્રધાન અને રેલવેના ચીફ એંજિનિયર પાસે પ્રતીતિજનક (કન્વીન્સીંગ) ખુલાસો માગવામાં આવ્યો હતો. એ ખુલાસો ન મળ્યો પરંતુ ફક્ત દોઢ બે કિલોમીટર જેટલા અંતરમાં વપરાયેલા માલની ગુણવત્તા ચકાસવામાં બેદરકારી રાખેલી એટલી વાત પરથી ચીફ એંજિનિયરને આકરી સજા થઇ. આપણે ત્યાં આટલી ઝડપી અદાલતી કામગીરી શક્ય નથી. ભ્રષ્ટાચારના કેસો વરસો સુધી ચાલ્યા કરે અને પછી ય નક્કર કશું વળે નહીં. આજ સુધીમાં ચીનની રેલવેએ ૯,૩૦૦ કિલોમીટર જેટલા વિસ્તારને બુલેટ ટ્રેન જેવી ઝડપી સેવા હેઠળ આવરી લીધો છે. ૨૦૧૫ સુધીમાં ૧૮ હજાર કિલોમીટરને આવરી લેવાનો ચીનનો ટાર્ગેટ છે. બે વર્ષ હાથમાં છે અને હજુ બીજા નવ હજાર કિલોમીટર જેટલા વિસ્તારને હાઇ સ્પીડ ટ્રેન ઝોનમાં ફેરવવાનો છે.  પરંતુ ચીનને ખાતરી છે કે એ ટાર્ગેટ સમયસર પૂરો થશે.


ઉદ્‌ઘાટનના પહેલા જ દિવસે એટલે કે ૨૭ ડિસેંબરે બપોરે અમુક વિસ્તારોમાં ભારે હિમવર્ષા થતાં બુલેટ ટ્રેનના વ્યવહારને અસર થઇ હતી. પરંતુ ગણતરીના કલાકોમાં ઓછી ઝડપે (કલાકના ૧૧૪ કિલોમીટરની ઝડપે ) ફરી ટ્રેન વ્યવહાર રાબેતા મુજબ ચાલુ થઇ ગયો. કેવું આશ્ચર્ય ! આપણે આવું થવાની કલ્પના સુદ્ધાં કરી શકતા નથી. રોજ સરેરાશ આવી ૧૧૫ બુલેટ ટ્રેન દોડશે અને એના માર્ગમાં નાનાં-મોટાં ૩૫ શહેરોને આવરી લેશે. ચીનની ઇચ્છા તો આ બુલેટ ટ્રેન સેવા છેક હોંગકોંગ સુધી લંબાવવાની છે. ચીનમાં પણ આ ટ્રેન સેવા ચાર પ્રાંતને જોડે છે. પાટનગર બીજંિગ, હેનાન પ્રાંતનું ત્સેંગત્સાઉ, સેન્ટ્રલ ચીનમાં વુહાન અને  છેલ્લે વુહાન અને ગ્વાંગઝાઉ. વુહાન અને ગ્વાંગઝાઉને જોડવાની લાઇન ૨૦૦૯માં પૂરી થઇ ગઇ હતી. કોન્ટ્રેક્ટર્સને ચેતવી દેવામંા આવ્યા હતા કે સમયસર કામ પૂરું નહીં થાય તો તમારી ખેર નથી. આ બુલેટ ટ્રેન રોજના બે લાખ પ્રવાસીઓની અવરજવર કરી શકશે. બુલેટ ટ્રેનમાં પણ વિમાનની જેમ બે ક્લાસ છે-બિઝનેસ ક્લાસ અને ઇકોનોમી ક્લાસ. બિઝનેસ ક્લાસની સંિગલ જર્નીની ટિકિટ ૨૭૦ પાઉન્ડ (આશરે ૧૧૦૨૫ રૂપિયા) અને ઇકોનોમી ક્લાસની ટિકિટ ૮૬ પાઉન્ડ છે. દરેક સીટ માટે અલગ ન્યૂઝપેપર્સ અને ટીવી સ્ક્રીનની વ્યવસ્થા છે. વિમાનની જેમ આ ટ્રેનમાં પણ રેલ-હોસ્ટેસ્સ છે જેમને પાંચથી છ ભાષા આવડે એવી ફરજિયાત યોગ્યતા નક્કી કરવામાં આવી હતી.
લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, આખીય ટ્રેન સેન્ટ્રલી એર-કંડિશન્ડ છે એ કહેવાની જરૂર ખરી ?

No comments:

Post a Comment