Mar 04, 2014 18:38
માનો યા ના માનો- પ્રશાંત પટેલ આપણે ત્યાં રોડ અને એક્સપ્રેસ હાઈવેના નિર્માણ માટે કેટકેટલાં ઘરો,દુકાનો કે બિલ્ડિંગ તોડી પાડવામાં આવે છે, ખેડૂતોનાં ખેતરો ચીરી નાખવામાં આવે છે. સરકાર સામે લોકો હથિયાર હેઠાં મૂકી દે છે અને જે લોકો વિરોધ કરે છે તેઓ કેસ લડવામાં વર્ષો વીતાવે છે, છેવટે તે પણ હાર માની લે છે. જોકે બધે જ આવું નથી. જાપાનમાં સરકાર અને એક બિલ્ડર વચ્ચે એક્સપ્રેસ હાઈવેને લઈને ગજગ્રાહ ચાલ્યો. છેવટે બંને પક્ષને ગમે તેવો નિર્ણય કરવામાં આવ્યો. બિલ્ડિંગ પણ બન્યું અને હાઈવે પણ બન્યો તે પણ પોતાની નિર્ધારિત જગ્યાએ જ. સમગ્ર વિશ્વભરમાં મોટાં મોટાં બિલ્ડિંગો અને પુલ (ઓવર બ્રિજ)નું નિર્માણ થયું છે અને હજુ પણ થઈ રહ્યું છે. અમેરિકા સહિત કેટલાંક દેશોમાં તો પુલ ઉપર પુલ જોવા મળે છે. એક્સપ્રેસ હાઈવે પહાડ કોતરીને બનાવેલી કિલોમીટરો લાંબી ટનલમાંથી પસાર થાય છે. આ વાત સૌ જાણે છે, પરંતુ એક વાત કોઈ નહીં જાણતું હોય કે એક બિલ્ડિંગ એવું છે કે જેની વચ્ચેથી હાઈવે પસાર થાય છે. તેનું નામ ગેટ ટાવર બિલ્ડિંગ છે જે જાપાનના ઓસાકામાં આવેલું છે. બિલ્ડિંગમાંથી પસાર થતા હાઈવેનું દૃશ્ય જોઈને સાયન્સ ફિક્શન ફિલ્મોના સંસારમાં સફર કરી રહ્યાં હોય તેવો આભાસ કરાવે છે. આ વિશ્વનું એકમાત્ર બિલ્ડિંગ છે જેની વચ્ચેથી એક્સપ્રેસ હાઈવે પસાર થાય છે અને ઉપર તથા નીચે લોકો રહે છે. ઓસાકા શહેરના ફુકુશિમા-કૂ સ્થિત આ ૧૬ માળનું બિલ્ડિંગ ૨૩૬ ફૂટ ઊંચું છે. તેના પાંચમા, છઠ્ઠા અને સાતમા માળની વચ્ચેથી હૈશિન એક્સપ્રેસ-વે સિસ્ટમ નામનો હાઈવે પસાર થાય છે. બિલ્ડિંગની જગ્યાના ઉપયોગના બદલામાં ત્યાંનું પ્રશાસન બિલ્ડિંગના માલિકને ત્રણ માળનું ભાડું ચૂકવે છે. આવું નિર્માણ કેમ થયું? બિલ્ડિંગ અને તેની વચ્ચેથી પસાર થતા હાઈવે પાછળની વાત ખૂબ જ રસપ્રદ છે. બે દશકા પહેલાં ઈ.સ. ૧૯૯૨માં બનીને તૈયાર થયેલા આ બિલ્ડિંગનો નકશો ૧૯૮૨માં તૈયાર કરવામાં આવ્યો હતો. કામ શરૂ કરવાનું જ હતું કે પરમિટ કેન્સલ કરવામાં આવી. તેની પાછળ એવું કારણ જણાવવામાં આવ્યું કે અહીં પહેલેથી જ હાઈવેના નિર્માણની યોજના બની ચૂકી હતી, પરંતુ બિલ્ડિંગના પ્રોપર્ટી રાઈટ્સ હોલ્ડર એટલે કે માલિકે હાર ન માની અને આખો મામલો કોર્ટમાં લઈ ગયો. તેણે એક્સપ્રેસવે કોર્પોરેશનની સામે રણશિંગું ફૂંક્યું. લગભગ પાંચ વર્ષ સુધી તેમનો વિવાદ ચાલતો રહ્યો. કોઈ પણ કાળે બિલ્ડિંગનો માલિક ઝૂકવા તૈયાર નહોતો, પરંતુ તેને લીધે હાઈવેનું કામ અટકાવી રાખવું પણ યોગ્ય નહોતું. તેથી પ્રશાસને તેની સામે ઉગામેલાં હથિયાર હેઠાં મૂકી દીધાં અને ઈ.સ. ૧૯૮૯માં સિટી પ્લાનિંગ અને હાઈવે સંબંધિત કાયદાઓમાં કેટલાંક ફેરફાર કરવામાં આવ્યા. જેના ફળરૂપે તે જ જગ્યાએ બિલ્ડિંગ બન્યું અને હાઈવે બિલ્ડિંગની વચ્ચેથી પસાર થયો. આમ, બિલ્ડિંગ માલિક અને પ્રશાસનના વિવાદનો સુખદ અંત આવ્યો. જોકે તેને કારણે જાપાનને પોતાના ઉત્તમ એન્જિનિયરિંગનો બેનમૂન નમૂનો વિશ્વને બતાવવાની તક પણ મળી. આજે આ બિલ્ડિંગ જાપાનનું મુખ્ય ટૂરિસ્ટ એટ્રેક્શન પણ છે. બિલ્ડિંગ કેવું છે? આ સોળ માળના ગેટ ટાવર બિલ્ડિંગને અજૂસા સેકેઈ અને યમાતો નિશિહારાએ ડિઝાઈન કર્યું છે. આ ગોળાકાર બિલ્ડિંગમાં ડબલ કોર કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. બિલ્ડિંગની લિફ્ટ હાઈવેના ત્રણ માળ પર રોકાઈ શકતી નથી. હાઈવે બિલ્ડિંગનો સ્પર્શ પણ નથી કરી શકતી. એટલે કે તે બિલ્ડિંગના ટેક પર નથી બનાવવામાં આવ્યો. બિલ્ડિંગની બાજુમાં બનેલા મજબૂત પાયાઓ હાઈવેને સહારો આપે છે. હાઈવેની આસપાસ એક ખાસ પ્રકારનું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે જે ગાડીઓ કે ટ્રકોના અવાજ અને વાઈબ્રેશનને બિલ્ડિંગમાં જતા રોકે છે. આ બિલ્ડિંગની છત પર એક હેલિપેડ પણ બનાવવામાં આવ્યું છે. |
No comments:
Post a Comment